Brahmastra Movie : રણબીર કપૂરની ‘બ્રહ્માસ્ત્ર’નો જાદુ શરૂ, ત્રીજા દિવસે 100 કરોડને પાર કરશે કલેક્શન! : સોશિયલ મીડિયા પર બોયકોટના તોફાન વચ્ચે રિલીઝ થયેલી રણબીર કપૂરની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત, ફિલ્મનું બે દિવસનું કલેક્શન સંતોષજનક છે. ફિલ્મની ત્રીજા દિવસની કમાણી પણ સારી રહેવાની આશા છે. પ્રારંભિક અનુમાન મુજબ, વીકએન્ડ પર ફિલ્મના કલેક્શનમાં સારો વધારો થઈ શકે છે અને શક્ય છે કે ત્રીજા દિવસે ફિલ્મ 100 કરોડનો આંકડો પાર કરી જશે.
ફિલ્મ રીલિઝ થાય તે પહેલા રણબીર કપૂરના ફેન્સ અને મેકર્સને ચિંતા હતી કે ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરશે કે નહીં! પરંતુ, ફિલ્મ માટે પહેલા જ દિવસે બુક કરવામાં આવેલી એડવાન્સ ટિકિટોએ ડરને થોડો ઓછો કર્યો. હવે ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન ફિલ્મની શરૂઆતથી જ સંતોષ આપી રહ્યું છે. 9 સપ્ટેમ્બર 2022 એટલે કે ગયા શુક્રવારે રિલીઝ થયેલી આ ફિલ્મે અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનું કલેક્શન કર્યું છે. તેણે 77 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે. એડવાન્સ બુકિંગના આંકડા સૂચવે છે કે ‘બ્રહ્માસ્ત્ર‘ બોક્સ ઓફિસ પર તેની વૃદ્ધિ ચાલુ રાખશે અને શનિવાર કરતાં રવિવારે વધુ કમાણી કરશે.
અયાન મુખર્જીની સાયન્સ ફિક્શન ફિલ્મે પહેલા દિવસે 36 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. બીજા દિવસે પણ ફિલ્મના કલેક્શનમાં જબરદસ્ત વધારો થયો છે. બીજા દિવસે ફિલ્મે દેશભરમાં લગભગ 41.50 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મે બે દિવસમાં તમામ ભાષાઓમાં કુલ 77 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મની બીજા દિવસની કમાણીમાં 20 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે, જે બ્રહ્માસ્ત્ર માટે સકારાત્મક સંકેત છે. પ્રારંભિક અનુમાન મુજબ, ફિલ્મ ત્રીજા દિવસે તમામ ભાષાઓમાં 43 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે.
રવિવારની રજાનો ફાયદો ફિલ્મને મળશે તેવી અટકળો ચાલી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, રવિવારની ફિલ્મની 7 લાખ 40 હજારથી વધુ ટિકિટ એડવાન્સમાં વેચાઈ ગઈ છે. રિપોર્ટ્સ અનુસાર, રિલીઝના ત્રીજા દિવસે ફરી એકવાર ‘બ્રહ્માસ્ત્ર‘ના શોમાં વધારો થયો છે અને આજે શોની કુલ સંખ્યા વધીને 14,500થી વધુ થઈ ગઈ છે. આ પ્રમાણે ફિલ્મનું ઓપનિંગ વીકેન્ડ કલેક્શન 120 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં, ફિલ્મની એન્ટ્રી હિન્દીના ટોપ 10 ઓપનિંગ વીકેન્ડ લિસ્ટમાં થશે.